’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફૅમ યામિની મલ્હોત્રાની કારમાં અચાનક આગ લાગી

206

મુંબઈ,તા.૧૧
’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં શિવાની બુઆનો રોલ પ્લે કરતી યામિની મલ્હોત્રાની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. હાલમાં જ આ ઘટના મુંબઈમાં મોડી રાત્રે બની હતી. યામિનીની કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના બાદ યામિની ઘણી જ ડરી ગઈ હતી. યામિની મલ્હોત્રાએ કહ્યું, ’હું જૂહુમાં ડ્રાઇવ પર નીકળી હતી અને પછી લોખંડવાલા તરફ જતી હતી. મેં સો.મીડિયામાં તસવીરો પણ શૅર કરી હતી. છેલ્લી તસવીરમાં હું મારી કાર પર બેઠી હતી. જોકે, જ્યારે હું કારની અંદર બેસીને ડ્રાઇવ કરવા લાગી તો મેં બોનેટમાંથી આગના ધુમાડા જોયા હતા. હું તરત જ કારની બહાર આવી ગઈ હતી. હું કંઈ સમજું તે પહેલાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.’ યામિનીએ કહ્યું, ’બધુ ગણતરીની સેકન્ડમાં બની ગયું હતું અને મને ઘણો જ આઘાત લાગ્યો હતો. રોડ પર જતા લોકો મદદ માટે ભેગા થઈ ગયા હતા અને તેમાંથી જ કોઈકે ફાયર બ્રિગેડ તથા પોલીસને ફોન કર્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધીમાં તો કાર પૂરી રીતે સળગી ગઈ હતી. હું મારી કારને બચાવવા માટે કંઈ જ ના કરી શકી. મને તો બસ એક જ વિચાર આવે છે કે જો કારની અંદર ફસાઈ ગઈ હોત તો હું આજે જીવતિ ના હોત. આ વિચાર સાથે જ હું ધ્રુજી જાઉં છું.’ યામિનીએ કહ્યું, ’હું પોલીસ સ્ટેશન ગઈ હતી અને રિપોર્ટ લખાવ્યો હતો. હું પોલીસની ટીમ સાથે પાછી ઘટનાસ્થળે પરત આવી હતી. આગને કારણે કાર આખી સળગી ગઈ હતી. માત્ર રાખ તથા લોખંડનો કાટમાળ પડ્યો હતો. મારી કારની આ દશા જોઈને મને ઘણું જ દુઃખ થયું હતું. જોકે, હું ભગવાનની આભારી છું કે તેમણે બને બચાવી લીધી. મેં ભારે હૈયે કારના પિક્ચર ક્લિક કર્યા હતા. થોડાં સમય પહેલાં હું કારમાં એકદમ ખુશ હતી અને પછી તરત જ ઉદાસ થઈ ગઈ હતી. આ જ વાત સાબિત કરે છે કે જીવન કેટલું અચોક્કસ છે.

Previous articleતાઉતે વાવાઝોડાની સહાયમાં વિસંગતા મામલે કોંગ્રેસના ધારાસભ્યોનું ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન
Next articleદિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજનું અકસ્માતમાં થયું ફ્રેક્ચર, સર્જરી માટે હૈદરાબાદ રવાના