વોશિંગ્ટન,તા.૧૨
અમેરિકાની ભારત સાથે વધતી નિકટતા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ગુસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. જો બાઇડેનના ફોનની રાહ જોતા ઇમરાન ખાને અમેરિકા પર ખૂબ ભડાસ કાઢી છે. તેમણે કહ્યું કે અમેરિકા હવે ભારતની સાથે દોસ્તી મજબૂત કરી રહ્યું છે અને તેના લીધે બાઇડેન સરકાર તેની સાથે અલગ રીતે વ્યવહાર કરી રહ્યું છે. ઇમરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા પાકિસ્તાનને માત્ર અફઘાનિસ્તાનમાં ફેલાયેલ ‘ગંદકી’ને સાફ કરવા માટે ફાયદાકારક સમજે છે. ઇમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાઇડેને ફોન ના કરતાં બરાબરના ગિન્નાયા છે. તો અમેરિકન પ્રશાસન સતત ઇમરાન સરકાર પર દબાણ નાંખી રહ્યું છે કે તેઓ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તાલિબાન અને અફઘાન સરકારની વચ્ચે એક સમજૂતી કરાવે. સાથો સાથ અફઘાનિસ્તાનમાં હિંસાને રોકે જે ઝડપથી વધી રહી છે. તાલિબાનની મદદ માટે હજારો જેહાદી મોકલનાર ઇમરાન ખાને દાવો કર્યો કે તેમનો દેશ અફઘાનિસ્તાનમાં કોઇનો પક્ષ લઇ રહ્યો નથી. પાકિસ્તાન પીએમ ઇમરાને વિદેશી પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે પાકિસ્તાનને માત્ર આ ગંદકીને સાફ કરવા માટે ફાયદો સમજાવ્યો છે જે ૨૦ વર્ષ સુધી સૈન્ય ઉકેલ લાવવાના લીધે ફેલાયેલ છે. એ પણ ત્યારે જ્યારે એનો ઉકેલ મળ્યો નહોતો. આપને જણાવી દઇએ કે અમેરિકાની સરકાર ૩૧મી ઑગસ્ટ સુધી પોતાની સેનાને અફઘાનિસ્તાનમાંથી પાછી બોલાવી રહી છે. અંદાજે ૨૦ વર્ષ પહેલાં અમેરિકાએ હુમલો કરીને તાલિબાનને સત્તા પરથી હટાવી દીધા હતા. હવે તાલિબાન ફરીથી ઝડપથી આગળ વધી રહ્યું છે અને દેશના ૬૫ ટકા વિસ્તાર પર કબ્જો કરી લીધો છે. ઇમરાને ભારતને લઇ કહ્યું કે હું સમજું છું કે અમેરિકન લોકોએ એ નિર્ણય કરી લીધો છે કે તેમનું રણનીતિક સાથી હવે ભારત છે અને તેના લીધે તેઓ હવે પાકિસ્તાનની સાથે અલગ વ્યવહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓમાં અફઘાનિસ્તાનના મુદ્દાને રાજનીતિક ઉકેલ આવતો દેખાઇ રહ્યો નથી. ઇમરાને કહ્યું કે તાલિબાન નેતાઓ સાથે તેમણે વાત કરી છે. તાલિબાનનું કહેવું છેકે અમારી શરત એ છે કે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની સત્તા છોડે, ત્યારે વાતચીત થશે.