વડોદરા/રાજકોટ,તા.૧૨
રાજ્યમાં બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. એવામાં વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પરત ખેંચી છે. સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર સાથે બેઠક કર્યા બાદ વડોદરાના તબીબોએ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. છેલ્લાં એક અઠવાડિયાથી નિવાસી તબીબોએ સરકાર સામે વિવિધ માંગોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જો કે સરકારે પણ તબીબો સામે કડક કાર્યવાહીની ચીમકીઓ ઉચ્ચારી હતી. સરકાર માંગણીઓના સ્વીકાર અંગે લેખિતમાં બાંહેધરી આપશે તેવી તબીબોને આશા છે. તો બીજી બાજુ રાજકોટમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ સમેટી લેવામાં આવી છે. છેલ્લાં આઠ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરોએ સાતમાં પગાર પંચ સહિત વિવિધ માંગણીઓને લઇ હડતાળ પાડી હતી. જો કે ડોક્ટરોની માંગ પૂર્ણ થશે તેવી ખાતરી મળતા હડતાળ સમેટી લેવામાં આવી છે. રાજકોટમાં ૪૦૦ જેટલાં ડોકટરો હડતાળ પર બેઠા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ વિવિધ માંગણીઓને લઈને સરકાર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ રહેતા હજુ પણ કેટલાંક શહેરોમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે અને આગામી દિવસોમાં તબીબોનું આંદોલન વધુ ઉગ્ર બને તેવી પ્રબળ શકયતાઓ છે. જેના કારણે કોરોનાની સારવાર સંબંધિત સેવા અને ઈમરજન્સી સેવાઓ પણ તબીબો બંધ કરી શકે છે. ગઈ કાલે જુનિયર મેડિકલ એસોસિએશન અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી