હજારો પરિવારોની જીવાદોરી સમાન અલંગના વેપાર ઉદ્યોગને ભાંગતો બચાવવા તમામ ક્ષેત્રે સહીયારો પ્રયત્નો જરૂરી
એશીયાનાં પ્રથમ નંબરનાં ગણાતા એવા અલંગ શીપ યાર્ડ ખાતે છેલ્લા ૨૦ દિવસથી ભાડા વધારા, લોડીંગ ચાર્જ નાબુદ કરવા, હમાલી ચાર્જ નાબુદ કરવાની માંગ સાથે ચાલી રહેલી હડતાલ એક તરફ જોઈએ તો પૂર્ણ થઈ છે પરંતુ અલગ-અલગ એસોસીએશનની જીદના કારણે હાલમાં કોકડુ ગુંચવાયેલું છે અને હજુ અલંગમાં ટ્રકો ભરવાનું શરૂ નથી થયું પરંતુ આનાં કારણે નાના ઉદ્યોગકારો અને મજુર વર્ગને ભારે નુકશાન થઈ રહ્યુ છે ત્યારે હજારો પરિવારોની જીવાદોરી સમાન અલંગનાં વેપાર ઉદ્યોગને ભાંગતો બચાવવા હાલમાં તમામ ક્ષેત્રે સહીયારા પ્રયત્નો જરૂરી બન્યા છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોના કાળ દરમિયાન થયેલા લોકડાઉનમાં લાંબો સમય ધંધા રોજગાર બંધ રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં કારણે ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ભાડા વધારા સહિત અલંગમાં હમાલી ચાર્જ નહી લેવાની લેખીત માંગણી સાથે છેલ્લા ૨૦ દિવસથી હડતાલ ચાલી રહી છે. ટ્રક એસો. અને રોલીંગ મીલ એસો.ની લોડીંગ ચાર્જ નાબુદ માટેની મોટાભાગની માંગણીઓ મૌખીક રીતે સ્વિકારાઈ ગઈ છે હવે તમામ એસો.એ લેખીતમાં માંગણી કરતા સમગ્ર મામલો એકબીજાનાં ઈગો ઉપર આવી ગયો છે. કોઈ નમતુ જોખવા તૈયાર નથી પરીણામે હડતાલ યથાવત છે. તેના કારણે નાના ઉદ્યોગકારો અને મજુરોને ભારે નુકશાની વેઠવી પડે છે. હાલમાં ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલી રહેલી જીએસટીની તવાઈના કારણે રોલીંગ મીલોનો ધંધો હાલમાં બંધ છે અને આગામી સમયમાં પણ લાંબો સમય સુધી બંધ રહે તેવી શક્યતાઓ છે ત્યારે હડતાલથી રોલીંગ મીલોને કશો ફરક પડતો નથી પરંતુ તેના કારણે ટ્રાન્સપોર્ટ એસો. અને શીપબ્રેકીંગ ઉદ્યોગને ભારે નુકશાની વેઠવી પડી રહી છે.
સમગ્ર મામલે ક્યાંક રાજકારણ રમાઈ રહ્યુ હોવાનું પણ ચર્ચાઓ ચાલી રહી છે. અને ભાવનગરનાં વેપાર ઉદ્યોગને ભાંગી નાખવાનો કારસો ઘડાતો હોેવાની પણી ગંધ આવી રહી છે.
રોલીંગ મીલો હાલમાં નુકશાનીમાં ચાલી રહી છે. અને જીએસટી સહિતનાં પ્રશ્નો પણ સતાવી રહ્યા છે ત્યારે ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો.નાં ખંભે બંદુક રાખીને શીપબ્રેકરો ઉપર દબાણ લાવવાનાં પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે કોરોના મહામારી અને લોકડાઉન દરેક ધંધા-ઉદ્યોગ તેમજ સામાન્ય લોકોને નડ્યા છે અને દરેકની પરિસ્થિતિ હાલમાં ખરાબ ચાલી રહી છે ત્યારે અલંગ ઉદ્યોગ પર રમાઈ રહેલા રાજકારણને વેપારી મહાજન મંડળ અને વહીવટી તંત્ર દ્વારા સુલેહ પૂર્વક સમજાવી કોઈનો ઈગો ટકરાઈ નહી તેવા પ્રયત્નો કરી સમાધાન કરાવવું જોઈએ તેજ ભાવનગર માટે યોગ્ય રહેશે તેવું મનાઈ રહ્યુ છે. શીપબ્રેકર, રોલીંગમીલ, ટ્રક-ટ્રાન્સપોર્ટ, ફર્નેસ, પ્રોફાઈલ કટીંગ સહિતનાં એસોસીએશનોએ એક બીજાનાં અહંમને બાજુ પર મુકી ફરીથી પહેલાની જેમ ધંધા-રોજગાર શરૂ કરવા અને ભાવનગરને ભાંગતુ બચાવવા એક થઈને નિર્ણય કરવામાં આવે તેજ સમયની માંગ છે.