સેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ સપાટી પર અંતે બંધ રહ્યા

380

વિશ્વમાં તેજીની વચ્ચે દેશના શેરબજારોમાં રોજ નવા રેકોર્ડ : સેન્સેક્સ ૫૯૩ના ઉછાળા સાથે ૫૫,૪૩૭, નિફ્ટી ૧૬૫ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૧૬,૫૨૯ની સપાટીએ
મુંબઈ, તા.૧૩
દુનિયાભરના શેરબજારોમાં જોવા મળી રહેલી તેજી વચ્ચે ભારતીય શેરબજારો પણ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી પોતાની સર્વોચ્ચ સપાટી પર બંધ થયા છે. આજના દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૫૯૩ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૫૫,૪૩૭ જ્યારે નિફ્ટી ૧૬૪.૭૦ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૧૬,૫૨૯ની સપાટી પર બંધ રહ્યા હતા. સેન્સેક્સ ગઈકાલે પણ ૫૪,૮૪૩ના ઓલટાઈમ હાઈ પર બંધ થયા બાદ આજે ૫૪,૯૯૧ પર ખૂલીને ૫૫,૪૮૭ સુધી પહોંચ્યા બાદ ૫૫,૪૩૭ પર બંધ થયો હતો. નિફ્ટી ૫૦માં આજે સૌથી વધુ ઉછળેલા શેર્સમાં ટાટા કન્ઝ્‌યુમર્સ પ્રોડક્ટ સૌથી ઉપર રહ્યો હતો. ૪.૨૯ ટકાના ઉછાળા સાથે આ શેર ૮૦૭.૪૫ના સ્તરે બંધ આવ્યો હતો. ત્યારબાદ ટીસીએસ બીજા ક્રમે રહ્યો હતો. જે આજે ૩.૩૩ ટકાના ઉછાળા સાથે પોતાની ઓલટાઈમ ૩૪૮૦ રુપિયાની સપાટી પર બંધ આવ્યો હતો. આ ઉપરાંત, એલટી પણ આજે ૧૬૭૬ની પોતાની ઓલટાઈમ હાઈ સપાટી પર બંધ થયો છે. આજે જોકે, બીએસઈના સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.જ્યારે લાર્જકેપ ઈન્ડેક્સ ૦.૮૬ ટકાના વધારા સાથે બંધ થયો હતો. આજે ઉછળનારા સેક્ટર્સની વાત કરીએ તો, મેટલ શેર્સ, આઈટી તેમજ બેંકોમાં જોરદાર તેજી જોવા મળી હતી. રિલાયન્સ પણ આજે ૧.૬૭ ટકા ઉછળીને ૨૧૪૫ પર બંધ આવ્યો હતો. એચડીએફસી બેંક આજે ૧.૬૫ ટકાના વધારા સાથે ૧૫૨૬ જ્યારે ટાટા સ્ટીલ ૧.૮૩ ટકાના ઉછાળા સાથે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શવાથી બસ થોડો જ દૂર રહ્યો છે. આ સિવાય આજે ઈન્ફોસિસે પણ આજે ૧૭૨૨ રુપિયાનો પોતાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલ પણ ૭.૧૯ લાખ કરોડ રુપિયાને આંબી ગયું છે.

Previous article૨૪ કલાકમાં દેશમાં ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસ
Next articleભૂસ્ખલનથી ચિનાબ નદીનો પ્રવાહ રોકાતાં લોકોમાં ભય