તમિલનાડુમાં પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયાનો ઘટાડો

247

ત્યાગરાજને પોતાના પહેલા પેપરલેસ બજેટને રજુ કર્યું ચેન્નાઈમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૧૦૨.૪૯ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૪.૩૯ રૂપિયા પ્રતિ લીટર રહ્યો
નવી દિલ્હી,તા.૧૩
આકાશને આંબી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમિલનાડુ સરકારે ફ્યૂલના ભાવ ઓછા કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે પોતાના બજેટમાં પેટ્રોલના ભાવને ઓછા કરવાની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ તમિલનાડુમાં હવે પેટ્રોલના ભાવ ૩ રૂપિયા ઘટી જશે. આવામાં સવાલ એ ઉઠે છે કે સરકાર આ કેવી રીતે કરશે અને તેની ભરપાઈ ક્યાંથી કરશે. તમિલનાડુના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને પોતાના પહેલા પેપરલેસ બજેટને રજુ કર્યું. આ દરમિયાન તેમણે પેટ્રોલ પર લાગતી સ્ટેટ એક્સાઈઝ ડ્યૂટીમાં ૩ રૂપિયાના કાપની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ નિર્ણયથી તમિલનાડુમાં પેટ્રોલ ૩ રૂપિયા સસ્તુ થઈ જશે. જો કે આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક ૧૧૬૦ કરોડ રૂપિયાની ખોટ જશે. મળતી માહિતી મુજબ ચેન્નાઈમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૧૦૨.૪૯ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૪.૩૯ રૂપિયા પ્રતિ લીટર રહ્યો. વિધાનસભામાં બજેટ પાસ થયા બાદ હવે પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયા ઘટી જશે. અત્રે જણાવવાનું કે મે ૨૦૨૧થી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ સહિત લગભગ ૧૫ રાજ્યોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર આસપાસ છે. પેટ્રોલની કિંમત તેના આધાર મૂલ્ય ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાતા ટેક્સના આધારે પણ નક્કી થાય છે. મળતી માહિતી મુજબ તમિલનાડુના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને હાલમાં જ કહ્યું હતું કે હાલની સ્થિતિમાં વેટ ઓછું કરવું શક્ય નથી જો કે હવે બજેટમાં પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયાનો કાપ મૂકીને લોકોને મોટી રાહત આપી છે. એક્સપર્ટ્‌સનું માનવું છે કે તમિલનાડુ સરકાર બાદ અન્ય રાજ્યો ઉપર પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવા માટે દબાણ આવશે. જેના કારણે આગામી કેટલાક દિવસોમાં અન્ય રાજ્યો પણ ભાવ ઓછા કરવાની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને આગામી વર્ષે જ્યાં ચૂંટણી છે તેવા પંજાબ, યુપી જેવા રાજ્યોમાં તેની શક્યતા વધુ રહેલી છે.

Previous articleકૈલાશ વિજયવર્ગીયના દર્શન માટે પૂજારીઓને રોકી દેવાયા
Next articleભાવનગર જિલ્લા કક્ષાના ૭૨ મા વન મહોત્સવની પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઉજવણી કરાઇ