સર્વર ડાઉન હોવાના કારણે અરજદારો પરેશાન
ભાવનગર શહેરની મામલતદાર ઓફિસમાં અત્યારે એક હજારથી વધુ લોકો અલગ-અલગ દાખલા કઢાવવા માટે દરરોજ એકઠા થાય છે, જે હાલના સમયમાં ખૂબ જ ચિંતાજનક કહી શકાય, હાલ દેશમાં ત્રીજી લહેર ની ચિંતા સતાવી રહી છે ત્યારે સરકારી કચેરીમાં એટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે તેના પર સરકારે નિયંત્રણ કરવું જોઈએ.મામલતદાર કચેરીની ઓફિસમાં આવકના દાખલા, જાતિના દાખલા, ઇડબલ્યુએસ, નોન ક્રિમિનલ સહિતના દાખલો કઢાવવા માટે લોકોને મામલતદાર કચેરીમાં આવવું પડે છે, સરકાર દ્વારા ઓનલાઇન દાખલા કઢાવવા માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ હંમેશાંની માફક સર્વર ડાઉન હોય છે અથવા તો કોઈને કોઈ કારણોસર એપ્લાય થઈ શકતું નથી તેવી અનેક ફરિયાદો દાખલા કાઢવા માટે આવતા લોકો કરી રહ્યા છે, ભાવનગર મામલતદાર કચેરીમાં માત્ર અલગ-અલગ ચાર (બારી) ઓફિસ જ આમ નાગરિકોને દાખલા કઢાવવા માટે કાર્યરત છે જેમાં સાત ઓપરેટર નિયંત્રણ કરી રહ્યા છે, કોરોના મહામારીમાં એક વ્યક્તિને દાખલો કઢાવવા માટે ઓછામાં ઓછી બે કલાકથી વધુ સમય થઈ જાય છે, આજે સવારે જ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પર દાખલા કઢાવવા માટે લોકોના ટોળેટોળા ઓફિસની બહાર એકઠા થયા હતા.
હાલ કોરોના મહામારીમાં સરકાર દ્વારા જરૂરી દાખલા કઢાવવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો ભીડ પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે, પરંતુ ભીડને જોતા લાગી રહ્યું છે કે મામલતદાર કચેરીમાં કોરોના સંક્રમણ ફેલાવવાનું કોઈ ડર જ રહ્યું નથી, હાલની સ્થિતિમાં સરકારી કચેરીમાં જ આવી રીતના ભીડ એકઠી થશે તો કોરોના પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાશે તે પણ પ્રશ્ન છે, મામલતદાર કચેરીમાં ભીડ પર નિયંત્રણ રાખી શકાય માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ રાખવામાં આવ્યા છે, તેમ છતાં પણ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેર્યા વગર નજરે જોવા મળી રહ્યાં હતા, આ બાબતે સરકારે ગંભીરતાપૂર્વક વિચારી અન્ય કોઈ દાખલા કઢાવવા માટેની જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠી રહી છે.