ભાવનગર જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામા સફળતા મળી છે. જિલ્લામાં માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે. પરંતુ, અઢી વર્ષના લાંબા ગાળા બાદ સ્વાઈનફ્લૂએ દેખા દેતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લામાં છેલ્લા આઠ દિવસ દરમિયાન સ્વાઈનફ્લૂના બે કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં અઢી વર્ષ બાદ એક અઠવાડિયાની અંદર સ્વાઇન ફ્લૂનાં બે કેસ નોંધાયા છે. ગયા ગુરુવારે સ્વાઇનફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ તા.૧૮ ઓગસ્ટના રોજ બીજો કેસ પણ નોંધાયો છે.વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય પુરુષ ને સ્વાઇન ફ્લૂનું સંક્રમણ થતાં નર્સિંગ હોમ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ તૈયારીઓ કરી રહ્યું છે એવામાં જ જિલ્લામાં સ્વાઈનફ્લૂએ પણ દેખા દેતા તંત્ર એલર્ટ બન્યું છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા આઠ દિવસ દરમિયાન સ્વાઈન ફ્લૂના જે બે કેસ સામે આવ્યા છે તે બંને અલગ અલગ વેરિયન્ટના છે. સંક્રમિત વ્યક્તિ છેલ્લા ૧૫ દિવસ થી પોતાના ધંધાનાં લીધે કચ્છ ગયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ સંક્રમિત વ્યક્તિ જેવી અસરો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો અને સ્વાઇન ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં લોકોમાં ગળામાં દુખાવો, શરદી, તાવ, ઠંડી લાગવી, શરીરનાં અને સાંધામાં દુખાવાનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ તમામ વ્યક્તિઓને જો લક્ષણો ૩ દિવસથી વધારે દેખાય તો ફ્લૂ માટે કે કોરોના માટે ટેસ્ટ કરાવવાની ડોકટરો દ્વારા જણાવાયું છે.