મ.પ્રદેશના પાતાળકોટમાં કોરોનાનો એક પણ કેસ નથી

134

મ.પ્ર.નો એક એવો વિસ્તાર જ્યાં વાયરસ ડોકાયો નથી : પર્વતની શીલાઓના લીધે લોકો સીધા તડકાથી બચી શકે છે, આ જગ્યા ધરતીથી ૩૦૦૦ ફૂટ નીચે આવેલી છે
ભોપાલ, તા.૧૯
ભારતમાં પાછલા દોઢ વર્ષથી વધુ સમયથી કોરોના ફેલાયેલો છે, આમ છતાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલો રહસ્યમય પાતાળકોટના એક ડઝન ગામોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. અહીં પર્વતની શીલાઓના લીધે લોકો સીધા તડકાથી બચી શકે છે. આ જગ્યા ધરતીથી ૩૦૦૦ ફૂટ નીચે આવેલી હોવાનું મનાય છે. આ ગામને લઈને હવે અનેક આશ્ચર્ય થઈ રહ્યા છે. ભોપાલથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા સાતપુડાની પર્વત માળા વચ્ચે આવેલા પાતાળકોટને ધુંધ અને મિથકની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એવી પણ માન્યતાછે કે આ એ જગ્યા છે જ્યાં સીતા પૃથ્વી પર ઉતર્યા હતા, જ્યારે કેટલાક લોકો કહે છે કે આ હનુમાન દાદાએ અને ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા માટે અહીંથી પ્રવેશ કર્યો હતો. આ પ્રકારના અન્ય માન્યતાઓ પણ અહીં ફેલાયેલી છે. આ માન્યતાઓના લીધે જ અહીં બપોરના સમયે પાતાળકોટમાં સાંજનો અહેસાસ થાય છે. વેલીની વચ્ચે આવેલા ગામમાં ઉગતી ઔષધીઓને ખજાનો માનવામાં આવે છે.
સરકારી આંકડા પ્રમાણે પાતાળકોટમાં ૨૧ ગામડા આવેલા છે, પરંતુ ડઝન જેટલા જ ગામ અહીં સારી રીતે વસેલા છે. અન્ય ગામોમાં ઝૂપડીઓ છે જ્યાં ભૂરિયા પ્રજાતીના લોકો રહે છે. અહીંથી ઔષીઓ પણ મળી આવે છે. જેની વચ્ચે લોકો જીવન જીવે છે. થોડા વર્ષો પહેલા આ લોકો વેલીમાંથી થોડા ઉપર આવ્યા છે, માટે ચારથી પાંચ કલાક સુધી તડકો આવે છે.બ્લોક મેડિકલ ઓફિસર ડૉક્ટર નરેશ લોધીએ જણાવ્યું કે, પાતાળકોટના ગામોમાં કોઈ કોવિડ કેસ નથી નોંધાયો. અહીંથી અમે ૭૦૦ લોકોના સેમ્પલ લીધા છે. આની પાછળનું કારણ એ જણાય છે કે અહીં બહારના લોકોનું પહોંચવું મુશ્કેલ છે. થોડા વર્ષો પહેલા અહીંથી બહાર જવા અને અંદર આવવા માટે માત્ર દોરડું જ એકમાત્ર રસ્તો હતો. હવે ગામ સુધી પહોંચવા માટે રસ્તો બની ગયો છે.જોકે, ગામમાં પહોંચવું સરળ નથી, રસ્તો ઘણો કઠીન છે. આ ધરતી પર આવનારા લોકો પર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નજર રાખવામાં આવે છે. બહારના લોકો સાથે ગામવાળા સંપર્કમાં ના હોવાથી પાતાળકોટ નિવાસી વાયરસથી બચી શક્યા છે. ડૉક્ટર લોધી જણાવે છે કે, કોરોનાની પહેલી લહેર દરમિયાન અહીં બે કેસ નોંધાયા હતા, પરંતુ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. તેઓ અન્ય જગ્યાએથી પરત આવ્યા હતા. પાતાળકોટમાં કોઈ વ્યક્તિ સંક્રમિત નથી થઈ. ડૉ. લોધી કહે છે કે શરુઆતમાં તો ગ્રામજનો અમારી ટીમને પણ અહીં આવવાની મંજૂરી નહોતા આપતા, તેમના સેમ્પલ લેવા માટે પણ પગપાળા જવું પડ્યું હતું. જેને લઈને ઘણી અફવા પણ ઉડી અને વિરોધ પણ થયો હતો, પરંતુ અંતમાં લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ સિવાય તામિયા બ્લોકમાં આવનારા રાતેડ ગ્રામ પ્રંચાયતના સચિવ અંતલાલ ભારતીએ કહ્યું કે અમે અહીંથી બહાર નથી જતા કે બહારના લોકો અંદર નથી આવી શકતા. અહીંના લોકો મોટાભાગે પોતાના લોકો સાથે જ રહે છે. તેમને ઔષધી અને જડી-બૂટ્ટીનું જ્ઞાન છે. મેં અહીં કોઈ કોવિડ કેસ જોયો નથી. ગ્રામજનો પોતાની જીવન શૈલી અને પરંપરા સાથે આજે પણ જોડાયેલા છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અલગ હોવાથી અહીં ૨૦૧૮ સુધી વીજળી નહોતી. અહીં વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મના પાર્ટ્‌સ લોકોએ ઉચકીને લઈ જવા પડ્યા હતા. ૫૦૦ કોવિડ દર્દીઓની સારવાર કરનારા ભોપાલના ડૉ. ભુવનેશ ગર્ગ કહે છે કે, પાતાળકોટ નિવાસી એટલા માટે કોરોનાથી સુરક્ષિત છે, કારણ કે તેઓ બહારની દુનિયાના સંપર્કમાં આવ્યા નથી. સાથે જ તેમની જીવનશૈલી પણ ઘણી કઠોર છે, જે તેમને મજબૂત બનાવે છે. તેમની પાસે સારવારની તેમના પોતાના પ્રાકૃતિક પદ્ધતિ છે.

Previous articleદુનિયાના ૧૦૦ ધનિકોમાં ડીમાર્ટના રાધાકિશન સામેલ
Next articleભાવનગરથી દિલ્હી,સુરત અને મુંબઈને જોડતી વિમાની સેવાનો પ્રારંભ