પીએમ મોદીએ સોમનાથમાં સમુ્દ્ર વોક વે, જૂનું સોમનાથ મંદિર, સોમનાથના ખંડિત અવશેષોની પ્રદર્શનીનું લોકાર્પણ, પાર્વતિ મંદિરનો શિલાન્યાસ કર્યો : આસ્થા-માનવતા આતંકથી કચડી શકાતી નથી : નરેન્દ્ર મોદી
સોમનાથ, તા.૨૦
શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મંદીર ખાતે યાત્રિ સુવિધાના અનેક વિધ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. પીએમ મોદીના હાથે વૉક-વેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. સોમનાથમાં યાત્રી સુવિધાના મહત્ત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ), સોમનાથ એક્ઝિબિશન ગેલેરી, માતોશ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર (૧૭૮૩) નવનિર્મિત પરિસરનું લોકાર્પણ પીએમ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું. તેમજ નૂતન પાર્વતી મંદિરના શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દેશના પર્યટન મંત્રી, ટ્રસ્ટી લાલ કૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા PM મોદીએ આ પ્રસંગે કહ્યુ, આજે હું પવિત્ર ધામ સોમનાથમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાઈ રહ્યો છું પરંતુ મનથી હું સોમનાથના સાનિધ્યમાં જ છું. આજે મને સમુદ્ર દર્શન તટ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જિર્ણોદ્ધાર પછી નવા સ્વરૂપે જૂના સોમનાથના લોકાર્પણનું સૌભાગ્ય મળી રહ્યુ છે. આ સાથે આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. આટલો પવિત્ર સંયોગ અને શ્રાવણનો મહિનો આ સોમનાથ દાદાના આશિર્વાદની સિદ્ધી છે. સાથીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી લઈને કચ્છના કાયાકલ્પ સુધી પર્યટનથી જે આધુનિકતા બને છે તે ગુજરાતે જોયું છે. આ દરેક કાળખંડની માંગ રહી છે કે પર્યટન ક્ષેત્રના વિકાસમાં નવી સંભાવનાઓ ચકાસે. જેમ કે સોમનાથમાં અત્યારસુધી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ આવે છે. હવે શ્રદ્ઘાળુઓ જૂના સોમનાથના દર્શન કરશે. પાર્વતી મંદિરનું દર્શન પણ કરશે. એટલું જ નહીં સમુદ્ર તટના નિર્માણથી મંદિરની સુરક્ષા પણ વધી ગઈ. આજે સોમનાથ ગેલેરીથી યુવાનોને આપણા ઈતિહાસ સાથે જોડશે. સોમનાથ સદીઓથી સદાશિવની ભૂમિ રહી છે. શિવ જ વિનાસમાં વિકાસ કરે છે. શિવ અવિનાશી છે. શિવ અવ્યક્ત છે. સોમનાથનું મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણા સ્થળ છે. પીએમ મોદીએ ઉમેર્યુ, વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ આ જગ્યાને જુએ તો તેમને આ ફક્ત મંદિર જ નહીં દેખાય પરંતુ માનવતાના મુલ્યોની ઘોષણા કરવાની પ્રેરણા આપશે. હજારો વર્ષો પહેલાં આપણા ઋષિઓએ જેને જ્ઞાનનું ક્ષેત્ર દર્શાવ્યુ હતું તે આજે પણ કહે છે આસ્થાને આતંકથી કચડી શકાતું નથી.આ મંદિરને કેટલીયવાર તોડવામાં આવ્યું. આનું અસ્તિત્વ ભૂંસી નાખવાનો પ્રયાસ થયો. જેટલીવાર સોમનાથ ધ્વસ્ત કરવાનો પ્રયાસ થયો એટલીવાર તે ફરી બેઠું થયું. સોમનાથ વિશ્વાસ અને આશ્વાસન છે જે આતંકના જોરે સત્તા મેળવવા માટે કેટલાક ક્ષણે ભલે હાવી થઈ જાય પરંતુ તે જાજો સમય માનવતાને દબાવી નહીં શકે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી લઈને આજની આ વિકાસ યાત્રા સદીઓની ઇચ્છા શક્તિ અને વૈચારિક નિરંતરતાનું પરિણામ છે. ડૉ.રાજેન્દ્રપ્રસાદ, સરદાર પટેલ અને ક.મા.મુનશીએ કઠણાઈનો સામનો કર્યો છે. આજે રામ મંદિરના રૂપે નવા ભારતના ગૌરવનો એક સ્તંભ ઉભો થઈ રહ્યો છે. ઈતિહાસથી શીખીને વર્તમાનને સુધારવાની નવા ભવિષ્યના નિર્માણની વિચારધારા હોય છે. તેમણે ઉમેર્યુ, મારી નજરે સોમનાથનું નિર્માણ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમૃદ્ધ અને સંપન્ન ભારત ભવનનું નિર્માણ થશે. આપણા માટે ઈતિહાસ અને આસ્થાનો મૂળ ભાવ છે સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ, દુનિયાને કાયમ આશ્ચર્ય થયું કે આટલી વિવિધતામાં એકતા કેવી રીતે છે. આપણી આધ્યાત્મિકતાને ભારતને એકતાના સૂત્રોમાં પોરવવા મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર વિશ્વ ભારતની દુનિયાન, લોકો અને દર્શન અને શાસ્ત્ર પ્રત્યે આકર્ષિત થઈ રહ્યો છે. આપણા આધ્યાત્મિક ટુરિઝમ ક્ષેત્રે અનેક સંભાવના છે. પીએમ મોદીએ ઉમેર્યુ, દેશમાં ૧૯ મહત્ત્વના સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યો છે. પર્યટન સામાન્ય માણસને ન ફક્ત જોડી રહ્યો છે પરંતુ સામાન્ય માણસને એકબીજા સાથે જોડી રહ્યો છે. ૨૦૧૩માં ભારતમાં જ્યાં પર્યટનની આંતરાષ્ટ્રીય સ્થાનોમાં ૬૪માં સ્થાને હતો તેના બદલે હવે ૩૫માં સ્થળે છે. દેશમાં વિઝા ઓન અરાઇવલ, ઇ વિઝા રિવ્યૂ અને વિઝા ફીમાં ઘટાડો કરી પ્રવાસ ક્ષેત્રમાં લાગતા જીએસટીને ઘટાડવામાં આવ્યો છે. એનાથી ટુરિઝમને લાભ થશે કોવિડના પ્રભાવમાંથી ઉગરવામાં લાભ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિ બાદ તેમણે છેલ્લા ૧૦ વર્ષમાં અનેક વિકાસ થયો છે. સોમનાથ મંદિરના ગર્ભગૃહ, દરવાજા, ત્રિશૂલ અને શિખરને સ્વર્ણ મઢીત કરવાથી ઈતિહાસ ફરીથી ગૌરવિંત થયો છે. ભારત સરકારે દ્વારકા અને સોમનાથના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. સોમનાથમાં પર્યાપ્ત શૌચાલય, પાર્કિગની સુવિધા અને પ્રસાદ યોજનાની શરૂઆત કરી હતી. આજે વડાપ્રધાને સાગર દર્શનની શરૂઆત કરાવી. આ ઉપરાંત પાર્વતી મંદિરનો શિલાન્યાસ અને જૂના સોમનાથ પરિસરના નિર્માણથી ભક્તોને અનોખો અનુભવ થશે. ૮૦ કરોડથી વધુના ખર્ચે આ ચાર પરિયોજના શરૂ થવા જઈ રહી છે. દર મહિને ૬ કરોડથી વધુ ઓનલાઇન દર્શનાર્થીઓ સાથે સોમનાથ મંદિર અગ્રેસર છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંદે શિવ ભક્ત અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, વર્ષ ૨૦૧૦માં તત્કાલિન મુખ્યમંત્રી પીએમ મોદી આ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી આ તીર્થના વિકાસ માટે તેમણે ખૂબ વિકાસ કર્યો છે. તીર્થના આસપાસના ક્ષેત્રને ઝોન બનાવીને વિકાસ કરવામાં આવ્યો. ટ્રાન્સપોર્ટેશન સાથે રેલવે, એસટી અને અન્ય માધ્યમોને જોડીને વિકાસ કરવામાં આવ્યો. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડિજિટલ દર્શનમાં સોમનાથ અગ્રેસર છે. સોમનાથનું મંદિર વિનાશથી વિજયું સૌથી મોટું પ્રતિક છે. આજના સાગર વોક-વેથી પર્યટનને વેગ મળશે. પહેલાં અહીંયા માતા પાર્વતીનું એક મંદિર હતું એવું પુરાણોમાંથી જાણવા મળે છે તેથી અહીંયા શિવજીના મંદિર પાસે ૩૦ કરોડના ખર્ચે એક પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવશે.