હાથબ ગામે માછીમારો દ્વારા દરિયાદેવના પૂજન- અર્ચન સાથે નાળીયેરી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

134

પરંપરાગત ખીરનો પ્રસાદ, શ્રીફળ ચૂંદડી,મોડીયો સમુદ્રમાં પધરાવી રક્ષાની કામના કરાઈ
ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે વસેલ ગામડાઓમાં રહેતા અને દરિયોખેડી જીવન નિર્વાહ ચલાવતા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષે શ્રાવણસુદ પૂર્ણિમા-નાળીયેરી પૂનમે સમુદ્ર નું પૂજન કરી દરિયો ખેડવાનો પ્રારંભ કરતાં હોય છે જે અંતર્ગત આ વર્ષે પણ ઘોઘા તાલુકાના હાથબ ગામનાં માછીમાર પરિવારો દ્વારા દરિયાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજાશાહી કાળમાં ગોહિલવાડનુ ઘોઘા,સરતાનપર સહિતના બારમાસી બંદરો ધમધમતા હતાં એ વેળાએ બારેમાસ ખંભાતની ખાડી થી લઈને અરબસાગર માં માછીમારી કરવા જતાં દરિયાઈ ખેડૂતો ની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ બારમાસી બંદરો ભાંગી પડ્યાં અને દરિયો છીછરો થતાં આ પરીવારો વંશ પરંપરાગત વ્યવસાય છોડી અન્ય ધંધાઓ તરફ વળ્યાં છે પરંતુ હજું પણ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલાં અનેક ગામડાઓમાં વસતાં કેટલાક પરિવારોએ પેઢી દર પેઢીનો વ્યવસાયી વારસો અકબંધ જાળવી રાખ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે વસતાં કેટલાક માછીમાર પરિવારો આ વ્યવસાય સાથે આજે પણ જોતરાયેલા હોય આથી દર વર્ષે શ્રાવેણી પૂનમ કે જે માછીમારો માં નાળીયેરી પૂનમ તરીકે ઓળખાય છે આ દિને માછીમારો પોતાના ઘરે ખીરનો પ્રસાદ તૈયાર કરી સહ પરિવાર દરિયાકાંઠેપહોંચે છે જયાં નૈવેદ્ય તરીકે ખીર ના પ્રસાદનો ચડાવો ચડાવી સમુદ્રમાં નાળીયેર, ચૂંદડી, મોડીયો, અક્ષત, પૂષ્પ વગેરે દ્રવ્યો પધરાવી દરિયાદેવને પ્રાર્થના ઓ કરી રક્ષણની કિમનાઓ કરે છે. આજરોજ હાથબના માછીમાર પરીવારો દ્વારા દરિયામાં ભરતી આવ્યે પૂજા-સામગ્રી સાથે સમુદ્ર તટે પહોંચ્યા હતા જયાં પ્રથમ દરિયાદેવનુ પૂજન.કર્યાં બાદ હોડીઓ ની પૂજા કરી હાર-તોરા થી શણગારવામાં આવી હતી અને શુભ મહૂર્ત માં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો.હાથબ ગામના સાગર ખેડૂત અશોકભાઈ આર.બારૈયાએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસાનો પ્રારંભ થયે સૌપ્રથમ ચોમાસું દરિયામાં બેસે છે ત્યારબાદ નૈઋત્ય નું ચોમાસું તટ તરફ ગતિ કરે છે આ ચોમાસાના ચાર માસ દરિયિદેવ ઉગ્ર સ્વરૂપે હોય છે પરંતુ આ ઉગ્ર સ્વરૂપ ને સૌમ્ય રૂપ બનાવવા દર વર્ષે નાળીયેરી પૂનમે માછીમારો રત્નાકર ની સ્તુતિ વંદના કરી રત્નાકર ને પ્રિય ભોગ ખીર નો ભોગ ધરે છે અને શ્રીફળ ચૂંદડી,મોડીયો ચડાવવાથી ભગવાન રત્નાકર શાંત બની જાય છે અને જયારે દરિયો ખેડવા જઈએ ત્યારે દરિયાદેવ અમારૂં રક્ષણ કરે છે આથી વર્ષોથી આ લૌકિક પરંપરા અકબંધ છે.

Previous articleજન આશીર્વાદ યાત્રાનનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત, ઝવેરચંદ મોંઘાણી ઓડિટરિયમ ખાતે સમાપન સમારંભ યોજાયો
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવને શ્રાવણ માસના ત્રિવેણી પર્વ નિમિતે અલૌકિક દિવ્ય શણગાર કરાયો