ખાનગી કંપનીઓ અને ખુદ સરકાર પણ જ્યારે પોતાના કર્મચારીઓને ઘરભાડાં ભથ્થાં ચુકવી રહી છે ત્યારે સરકારે ઇ્ઈમાં એક તઘલખી અને કદાચ ગેરકાયદે ગણાવી શકાય તેવો નિર્ણય લઈ એવું ફરમાન જારી કર્યું છે કે, આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરાર માન્ય નહીં ગણાય. આમ, ભાડે રહેતાં ગરીબ પરિવારોના સંતાનો આ રીતે શાળા પ્રવેશથી વંચિત થશે.
આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો એટલે ગેરકાયદે ઠેરવી રહ્યા છે કે, જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન એ કેન્દ્રનો કાયદો છે અને તેમાં જો ભાડા કરાર પર નિષેધ ન ફરમાવ્યો હોય તો સરકાર પોતે ઠરાવ કરીને આ પ્રકારનો પ્રતિબંધ કેવી રીતે ફરમાવી શકે. આમ, આ મામલે ટૂંક સમયમાં જ મોટો હોબાળો થાય અને કદાચ સરકારને કોર્ટ કેસનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના નિર્ણયના બચાવમાં આરટીઈ વિભાગના અધિકારીઓ એવી દલીલ કરી રહ્યા છે કે, બોગસ ભાડાં કરાર રજૂ કરીને જેમની લાયકાત નથી તેવા વાલીઓના સંતાનો પ્રવેશ મેળવતા અટકે તે માટે આ જોગવાઈ કરી છે. ત્યારે સવાલ એ ઉઠાવવામાં આવે છે કે, પાછલા કેટલાય વર્ષથી ધનવાન અને સમૃદ્ધ વર્ગના વાલીઓ મામલતદાર કે કલેક્ટર પાસેથી બેફામપણે આવકના ખોટા પ્રમાણ પત્રો લઈ આવતા હતા તે અટકાવવા સરકારે હજુ સુધી કોઈ સરકારી કર્મચારી સામે તો પગલાં ભર્યાં નથી, ત્યારે આ રીતે માત્ર અને માત્ર વાલીઓને જ શંકાના દાયરામાં રાખી તઘલખી પ્રતિબંધો ફરમાવી સરકાર કોને બચાવી રહી છે તે સમજાતું નથી.
ઇ્ઈ એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના પ્રવેશ ફોર્મ ભરાઈ રહ્યા છે પરંતુ જે પરિવારો સ્થળાંતર કરી શહેરમાં આવતા હોય, ભાડાના મકાનમાં રહેતા હોય અથવા જે વાલીઓના પોતાના નામે કોઈ ઓળખ પુરાવા ન હોય, તેવા પરિવારના બાળકોને પ્રવેશ આપવાની કોઈ જોગવાઈ કરાઇ ન હોવાનું જાણવા મળ્યું છે. બોગસ વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવામાં સફળ ન થઈ જાય તેના માટે રહેણાકના પુરાવા વગર પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આરટીઈ એક્ટનો ઉદેશ્ય ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા પ્રમાણે પ્રવેશ આપવાનો છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તો ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવાથી બાકાત રાખવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. જે પરિવાર પાસે રહેવા પોતાનું મકાન નથી, ધંધો રોજગાર મેળવવા ગામ છોડી શહેરમાં સ્થળાંતર કર્યું છે તેવા પરિવાર પાસે રહેણાકના પુરાવા ન હોય તે વરવી વાસ્તવિક્તા છે.
જોકે આવા પરિવારના બાળકોને પ્રવેશ આપવો વધુ અનિવાર્ય બની જાય છે છતાં પ્રવેશથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. મકાન ન હોય તેવા પરિવારના બાળકોના ફોર્મ સ્વીકારી જે-તે અધિકારી દ્વારા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ આપવો જોઈએ તેવી માગ ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે, રિસીવિંગ સેન્ટર પર બેઠેલા શિક્ષકો આવા પરિવારના બાળકોની યાદી તૈયાર કરી રહ્યા છે જેથી શિક્ષણ વિભાગને રજૂઆત કર્યા બાદ આ બાળકોને પણ પ્રવેશ આપી શકાય.