તળાજા તાલુકાના ગોપનાથ દરિયા કિનારે ડોલ્ફિન માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો

120

વન વિભાગે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ગામ નજીક ગઢુલા ગામનાં દરિયા કિનારે ગત મોડી સાંજે સમુદ્રમાં થી ડોલ્ફિન માછલીનો મૃતદેહ તણાઈ આવતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં આ અંગે વનવિભાગે મૃત માછલીનો મૃતદેહ કબ્જે કરી મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.જગ વિખ્યાત તળાજા તાલુકાના ગોપનાથ મહાદેવ મંદિર દરિયા કિનારે આવેલું છે. જયાંથી થોડે દૂર ગઢુલા ગામ આવેલું છે જયા ગત મોડી સાંજે સમુદ્ર તટે આઠ ફૂટ લંબાઈ ધરાવતી ડોલ્ફિન માછલીનો મૃતદેહ સ્થાનિક માછીમારોને નજરે ચડતાં માછીમારોએ ગ્રામજનો તથા સરપંચને જાણ કરી હતી. લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં એ દરમ્યાન તળાજા વન વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને મૃત ડોલ્ફિનનો કબ્જો લઈ માછલીના મોતનું સાચું કારણ જાણવા પીએમ માટે એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લાના ઘોઘાથી લઈને મહુવા તાલુકાના ડોળીયા ગામનાં દરિયા કિનારા સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલીઓના ઝુંડ જોવા મળી રહ્યાં છે.

Previous articleસિહોર GIDCમાં આવેલ ઓઈલ મીલમાં આગ, બે કલાકે આગ પર કાબૂ મેળવાયો
Next articleપાલીતાણાના તળાવ વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા બે ગાય અને એક આખલાનું મોત