ગૌતમેશ્વર તળાવમાં પગ લપસતાં યુવતી ડૂબી, બચાવવા કૂદેલો યુવક પણ ડૂબ્યો, યુવતીનો મૃતદેહ મળ્યો

149

ફાયરબ્રિગેડ,પોલીસ તથા મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયાફાયર બ્રિગેડની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી
ભાવનગરની એમજે કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ સિહોર ખાતે ગૌતમેશ્વર ખાતે ફરવા ગયા હતા. જ્યાં વલ્લભીપુરની યુવતીનો પગ લપસતાં તળાવમાં પડી ગઇ હતી. તળાવમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો પરંતુ તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીની લાશ મળી આવી છે જ્યારે યુવકની શોધખોળ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરની એમ.જે કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજરોજ સિહોર નવનાથના દર્શન સાથે ગૌતમેશ્વર તળાવ કાંઠે ફરવા ગયાં હતાં. જેમાં વલ્લભીપુર ગામે રહેતી ૧૯ વર્ષીય નિયતી ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી. એ દરમ્યાન સંતુલન ગુમાવતાં તળાવમાં પડી હતી. નિયતીને ડૂબતી જોઇ સિહોરનો જ રહેવાસી ૨૦ વર્ષીય જગદીશ મકવાણા તેને બચાવવા તળાવમાં કૂદ્યો હતો, પરંતુ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ જોઇ સાથે આવેલા અન્ય યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતાં.બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતાં તરવૈયાઓ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રથમ યુવતી ત્યારબાદ યુવાનની લાશ બહાર કાઢી હતી જેમાં સિહોર પોલીસે સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે કોલેજીયન યુવક-યુવતીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleકોરોનાનો વધુ એક જીવલેણ વેરિયન્ટ C.1.2 મળ્યો છે : ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક
Next articleશાસક પક્ષે ભાજપે ભજવી વિપક્ષની ભૂમિકા, પ્રમુખે સ્વીકાર્યું કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે