બેડમિંટનSH6ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને હરાવી ગોલ્ડ મેડલ પોતાનો નામ કર્યો
નવી દિલ્હી,તા.૫
ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SH6 ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૭થી હરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ચોથો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. કૃષ્ણા નાગર પહેલા બેડમિંટનમાં પ્રમોદ ભગત ગોલ્ડ, સુહાસ યતિરાજ સિલ્વર અને મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. તેની સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારતના મેડલોની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત ટોક્યો પેરાલિમ્પિકમાં નિશાનેબાજીમાં ૫ અને બેડમિંટનમાં ૪ મેડલ જીતી ચૂક્યું છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા પહેલા પ્રમોદ ભગત (બેડમિંટન), મનીષ નરવાલ (નિશાનેબાજી), સુમિત અંતિલ (ભાલા ફેંક, અને અવનિ લેખરા (નિશાનેબાજી) ભારતને ગોલ્ડ અપાવી ચૂક્યા છે. કૃષ્ણા નાગર પેરાલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનારો માત્ર આઠમો ખેલાડી છે. પેરાલિમ્પિક રમતોમાં ભારતને પહેલો ગોલ્ડ મુરલીકાંત પેટકરે વર્ષ ૧૯૭૨માં અપાવ્યો હતો. ત્યારબાદ દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ ઓલમ્પિક ૨૦૦૪ અને રિયો ઓલમ્પિક ૨૦૧૬માં ભાલા ફેંકમાં ભારતનો ગોલ્ડ અપાવ્યો. બીજી તરફ, રિયોમા; મરિયપ્પન થંગાવેલુએ હાઇ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજસ્થાનના જયપુરના રહેવાસી ૨૧ વર્ષીય કૃષ્ણા નાગરે એપ્રિલમાં દુબઈમાં પેરા બેડમિંટન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. નાગરે SH6 વર્ગમાં મેડલ જીત્યો છે જેમાં નાના કદના ખેલાડીઓ રમે છે. જ્યારે કૃષ્ણા માત્ર ૨ વર્ષનો હતો ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેની ઊંચાઈ નહીં વધે. ઘરમાં બધા ભાઈ -બહેનો, માતા -પિતાની ઊંચાઈ સામાન્ય છે, પરંતુ કૃષ્ણ નાગરની ઊંચાઈ ૪.૬ ફૂટથી વધી શકી નથી. ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા. માજૂરે સુહાસને ૧૫-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૫ થી હરાવ્યા. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ત્રીજો મેડલ છે. ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)ના ૩૮ વર્ષીય જિલ્લાધિકારી સુહાસ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા પહેલા આઇએએસ અધિકારી પણ બની ગયા છે. આ પહેલા શનિવારે ભારતીય શટલર પ્રમોદ ભગતે કમાલનું પ્રદર્શન કરતા બેડમિંટન સિંગલ્સ SL3 નો ગોલ્ડ મેડલ જીત્યો હતો.