સરકારને એક્સાઈઝ ડ્યુટીથી થયેલી કમાણી સમગ્ર નાણાકીય વર્ષમાં જૂના ઓઈલ બોન્ડ્સની કરવાની થતી ચૂકવણી કરતા ૩ ગણી વધારે છે
નવી દિલ્હી,તા.૫
ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીના કલેક્શનમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન ૧ લાખ કરોડથી વધુ રહ્યું છે. નાણા મંત્રાલય તરફથી મળેલા સત્તાવાર આંકડા મુજબ, પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટીથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં સરકારના સંગ્રહમાં ૪૮ ટકાનો વધારો થયો છે, જે સમગ્ર નાણાકીય વર્ષમાં જૂના ઓઈલ બોન્ડ્સની કરવાની થતી ચૂકવણી કરતા ૩ ગણો વધારે છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૧માં એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગતી એક્સાઈઝ ડ્યુટીનું કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે, કે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૬૭,૮૯૫ કરોડ રૂપિયા સુધી હતું. ઉલ્લેખનીય છે કે, જીએસટીની વ્યવસ્થા લાગુ થયા બાદથી એક્સાઈઝ ડ્યુટી માત્ર પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને પ્રાકૃતિક ગેસ પર લગાવાય છે. આ ઉત્પાદનો સિવાય, સમગ્ર દેશમાં અન્ય બધા ઉત્પાદો અને સેવાઓ જીએસટી અંતર્ગત આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ((એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨)ના પહેલા ચાર મહિનામાં ૩૨,૪૯૨ કરોડ રૂપિયાનું એક્સાઈઝ ડ્યુટી કલેક્શન સરકારે ભરવાના થતા ૧૦,૦૦૦ કરોડથી ત્રણ ગણું વધારે છે, જે સરકાર પાસે એ ઓઈલ બોન્ડ્સની ચુકવણી માટે છે, જે ગત સરકારે ઈંધણ પર સબસિડી આપવા માટે જારી કર્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત દિવસોમાં કહ્યું હતું કે, ગત કેટલાક વર્ષોમાં આ ઈંધણો પર અપાયેલી મોટી સબસિડીના બદલામાં કરાઈ રહેલી ચૂકવણીના કારણે પેટ્રોલ, ડીઝલની કિંમતમાં વધુ ઘટાડાની શક્યતા બચી નથી. સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી ગત વર્ષે ૧૯.૯૮ રૂપિયાથી વધારીને ૩૨.૯ રૂપિયા પ્રતિ લિટર કરી દીધી હતી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ ગત મહિને સંસદને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું પેટ્રોલ અને ડીઝલથી ટેક્સ કલેક્શન ૩૧ માર્ચે પૂરા થતા વર્ષમાં ૮૮ ટકા વધીને ૩.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું, જે એક વર્ષ પહેલા ૧.૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.