રાજ્યમાં ૧ એપ્રિલથી અમલી બનેલી ઈ-વે બિલની વ્યવસ્થાનો પ્રથમ ૩ સપ્તાહનો રીપોર્ટ આવ્યો છે.. તેમાં ગુજરાત સરકાર હરખાઇ જાય તેવા આંકડા સામે આવ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં ઈ-વે બિલ કાઢવામાં ૧૦ રાજ્યોનો ૮૩ ટકા હિસ્સો સામે આવ્યો છે. અને આ તમામ રાજ્યોમાં ગુજરાતે ૩૪.૪૧ લાખ ઈ-વે બિલ બનાવવા સાથે પહેલો નંબર લઇ લીધો છે. વસ્તુ અને સેવા કર નેટવર્ક-ય્જી્દ્ગ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ૩ સપ્તાહમાં જેટલા ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં છે, તેમાં ૮૩ ટકા જેટલો હિસ્સો દેશના ૧૦ રાજ્યોનો ભાગ છે. ઈ-વે પોર્ટલ દ્વારા એક એપ્રિલથી ૨૨ એપ્રિલ દરમિયાન કુલ ૧.૮૪ કરોડ ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં હતાં. તેમાં સૌથી વધુ ગુજરાતનો ફાળો છે.
જીએસટીએન મુજબ ગુજરાતમાંથી સૌથી વધુ ૩૪.૪૧ લાખ ઈ-વે બિલ નીકળ્યાં છે. તો ૨૬.૨૩ લાખ ઈ-વે બિલ સાથે કર્ણાટક બીજા ક્રમે, ૨૧.૦૬ના આંકડા સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે.
આ જ સમયગાળામાં ઉત્તર પ્રદેશમાં ૧૫.૪૯ લાખ, હરિયાણામાં ૧૪.૬૯ લાખ અને દિલ્હીમાં ૧૦.૯૪ લાખ ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં.