ભાવનગર શહેરમાં ૭ દિવસથી પર્વાધિરાજ પર્યુષણની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાયા બાદ છેલ્લા દિવસ શુક્રવારે સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત શહેરમાં આવેલાં શિખરબંધી દેરાસરોમાં સંવત્સરી પર્વે સવારે જૈનાચાર્યોના મુખેથી થયેલા બારસાસૂત્રના પઠનને સાંભળવા જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
સંવત્સરી પર્વે જૈન સમુદાયે એકબીજાને મિચ્છામી દુક્કડમ્ કહીને ક્ષમાયાચના કરી હતી.
ભાવનગર શહેરના શ્વેતાંબર જૈન સમુદાય દ્વારા પર્વાધિરાજ પર્યુષણનું પર્વ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યું હતું.પર્યુષણ પર્વમાં શહેરના અનેક જૈન શ્રદ્ધાળુઓ ૧૬ ઉપવાસ,અઠ્ઠઇ તપની જેવી આરાધનામાં લીન થયા હતા. ઉપરાંત દેરાસરોમાં ચાતુર્માતુમાસ માટે બિરાજમાન જૈનાચાર્યોના મુખેથી થતા સત્સંગ- પ્રવચનનો હજારો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શુક્રવારે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ હોઇ જૈન સમુદાય દ્વારા સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેરાસરોમાં સંવત્સરી પર્વ અંતર્ગત સવારે જ્ઞાનપૂજા યોજાઇ હતી. ઉપરાંત સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી જૈનાચાર્યોના મુખેથી બારસાસૂત્ર-૧૨૦૦ શ્લોકનું પઠન થયું હતું. સંવત્સરી પર્વે બારસાસૂત્ર સાંભળવાનું અનન્ય માહાત્મ્ય હોઈ દેરાસરોમાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત સાંજે ૪ વાગે દેરાસરોમાં સંવત્સરીનું પ્રતિક્રમણ યોજાયું હતું. પ્રતિક્રમણ દ્વારા જૈન સમુદાયે પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. સંવત્સરીની ઉજવણી સાથે પર્યુષણ પર્વનું સમાપન થયું હતું.સંવત્સરી પ્રસંગે દેરાસરોમાં બારસાસૂત્ર સાંભળવા જૈન ઉમટ્યાં હતાં. અને ત્યારબાદ બીજા દિવસે તપસ્યા કરેલ તપસ્વીઓ જેમાં ૧૬ ઉપાસના તપસ્વી તન્વીબેન દીપકભાઈ સરવૈયા, અઠ્ઠાઈના તપસ્વી રોમાંસીબેન જીગ્નેશભાઈ ગુંદીગરા અને અઠ્ઠાઈના તપસ્વી રોહિતભાઈ અરવિંદભાઈ ગુંદીગરાની તપશ્ચર્યાના પારણા પણ યોજાયા હતા. જૈનો એકબીજાને ૧૨ માસ , ૨૪ પક્ષ ,૩૬૫ દિવસમાં,૧૦ મનના,૧૦ વચનના, ૧૨ કાયાના,૩૨ દોષમાં જાણતા અજાણતા થયેલ ભૂલની મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા પણ માંગી હતી. જૈનોમાં જીવદયા અને ક્ષમાનું ઘણું મહત્વ છે ત્યારે જૈન સમાજ દ્વારા ક્ષમાપનાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.