છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાવનગર શહેર તથા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરના બોરતળાવ અને રાજપરા ખોડિયાર ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. પાણીની આવક હજુ શરૂ છેે. તેથી પાણીની સપાટી વધવાની શક્યતાઓ છે. હાલમાં બોરતળાવમાં પાણીની સપાટી ૩૮.૭ ફુટે પહોંચી છે. જ્યારે રાજપરા ખોડિયાર તળાવની સપાટી ૧૧.૪ ફુટે પહોંચી છે.
ભાવનગર શહેર અને ઘોઘા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે તેથી તળાવોમાં પાણીની આવક વધી છે. ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે સાડા પાંચ ઇંચ વરસાદ પડયો છે અને ઘોઘા તાલુકામાં આશરે ૬ ઇંચ વરસાદ નોંધાયો છે,ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવના ગૌરીશંકર તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવક શરૂ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદના પગલે પાણીની આવક વધી છે. ગઇકાલે સોમવારે પોણો બે ફૂટ પાણીની આવક શરૂ છે તેથી ગૌરીશંકર તળાવ ૩૮.૭ ફૂટ ભરાયુ છે. ગત ગુરૂવારે ગૌરીશંકર તળાવની સપાટી ૩૭.૩ ફૂટ હતી એટલે કે ત્રણ દિવસમાં આશરે ૧ ફૂટ કરતા વધુ સપાટી વધી છે. બોરતળાવ ૪૩ ફુટે ઓવરફ્લો થશે.