નવી દિલ્હી, તા.૧૫
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં શાનદાર દેખાવ કરનાર ટીમ ઈન્ડિયાના બોલરો માટે ઈંગ્લેન્ડના બેટસમેન ડેવિડ મલાને મહત્વનુ નિવેદન આપ્યુ છે.
મલાનનુ કહેવુ છે કે, ભારતીય બોલરો એક બીજાથી એટલા અલગ છે અને તેમની બોલિંગ સ્ટાઈલ એક બીજાથી એટલી હદે જુદી છે કે, કોઈ પણ બેટ્સમેન માટે તેમનો સામનો કરવો મુશ્કેલ છે. ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ રમવાનો ઈનકાર કર્યો તે પહેલા ટીમ ઈન્ડિયા આ સિરિઝમાં ઈંગ્લેન્ડ સામે ૨-૧થી સરસાઈ લઈ ચુકી હતી. ચોથી ટેસ્ટમાં ડેવિડ મલાનની વાપસી થઈ હતી. મલાનનુ કહેવુ છે કે, શામી, બુમરાહ અને સિરાજ જેવા બોલરો એક બીજાથી તદ્દન અલગ બોલિંગ સ્ટાઈલ અને વિવિધતા ધરાવે છે અને તેઓ સાથે બોલિંગ કરે છે ત્યારે બેટસમેન માટે તેમનો સામનો કરવો મુશ્કેલ થઈ જાય છે. મલાનનુ કહેવુ છે કે, વિરોધી ટીમના બેટસમેન તેમની સામે રમવા માટે આદત પાડી શકે તેમ નથી. કારણકે બેટસમેન એક બોલરને રમવાથી ટેવાઈ જાય છે તો બીજો બોલર તેની સામે અલગ જ પડકાર ઉભો કરે છે. મલાને કહ્યુ હતુ કે, સારૂ થયુ કે અશ્વિન ટીમમાં નહોતો. તે શ્રેષ્ઠ સ્પીનરો પૈકીનો એક છે. તે ટીમમાં કેમ નહોતો તે સમજવુ કે ટિપ્પણી કરવી મારા માટે મુશ્કેલ છે.