ઉપરવાસમાં વરસાદ પડવાથી વારંવાર કોઝવેમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છેઆ કોઝવેને ઓવરબ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ માંગ કરી
ભાવનગર જિલ્લાનું દેવળિયા-પાળીયાદ ગામ વરસાદી પાણીને લઇને બેટ સમાન બની જાય છે. ભાલ વિસ્તારમાં આવેલા દેવળિયા- પાળીયાદ જવા માટે એકમાત્ર કોઝવેમાંથી પસાર થઇને જવું પડે છે. કાળુભા ઘેલો નદીના વેણમાં બનેલા કોઝવેમાં ઉપરવાસમાં સારો વરસાદ થવાને લઈને વારંવાર પાણી ભરાઈ જાય છે. જેના લીધે દેવળિયા પાળીયાદ ગામો મુખ્ય માર્ગોથી વિખુટા પડી જાય છે અને કોઝવેમાં પાણી આવતા ઈમરજન્સી સેવાઓ પણ મળવી મુશ્કેલ બને છે. અનેક લોકોએ કોઝવેમાં પાણી આવવાને લીધે પોતાનો જીવ પણ ગુમાવ્યાં છે. જેથી સ્થાનિક લોકો અને આગેવાનોએ આ કોઝવેને ઓવરબ્રિજ બનાવવા માટે ઉગ્ર માંગ કરી છે. ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલા દેવળિયા પાળીયાદ સહિતના ગામોમાં જવા માટે એક માત્ર રસ્તો છે.
તેમાં પણ વરસાદને લઈને આવેલા પાણીથી તે બંધ થઇ જવાની સમસ્યા વર્ષોથી જેમની તેમ છે. દેવળીયા ગામે જવા માટે ગેલો કાળુભાર નદીના વહેણના કોઝવેમાં પસાર થઈને ગામમાં જવાઈ છે. પરંતુ જ્યારે ઉપરવાસમાં વરસાદ આવે છે ત્યારે કાળુભા ઘેલો નદીમાં પાણી આવી જાય છે જેથી કોઝવેમાંથી પસાર થઈને જવુ પડે છે. તાલુકા પંચાયતના સભ્ય વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, કોઝવેમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાવાને લઈને દેવળીયા ગામના લોકોને ભાવનગર શહેર તરફ આવવા માટેનો એક માત્ર રસ્તો બંધ થઈ જાય છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં આ અંગે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઝવેમાં પાણી આવી જવાથી સ્થાનિક લોકોને ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા જોતી હોય તો પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. દેવળિયા ગામના રહેવાસી હરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ઘેલો અને કાળુભાર નદીના જળ સ્ત્રાવ વિસ્તારમાં મીઠાના અગરિયાઓ અને હાઈવે રોડને લઈને બનેલા પાળા ખૂબ જ મુશ્કેલી સમાન બન્યા છે. જેને લઇને કોઝવેમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. સ્થાનિક લોકો દ્વારા કરાયેલી માંગ અનુસાર મીઠાના અગરિયાઓને અને હાઈવે દ્વારા કરાયેલા પાળા ના તોડે તો કોઈ વાંધો નથી, પરંતુ આ કોઝવેને ઓવરબ્રિજ બનાવી આપો.