તા. ૩૦/૦૯ તથા તા. ૦૧/૧૦ના રોજ મુસ્લીમ ધર્મીઓના મહોરમના તહેવારની ઉજવણી સંદર્ભે કાયદો વ્યવસ્થા જાળવવાના આગોતરા આયોજન તેમજ આ તહેવાર શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ પટેલે તાજીયા કમિટીના આગેવાનો સહિત મુસ્લીમ અગ્રણીઓ સાથે આજે એક બેઠક કલેકટર કચેરી, આયોજન સભાખંડ ભાવનગર ખાતે યોજી હતી.
આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી જેવાં કે તાજીયાના રૂટ પરના પી. જી. વી. સી. એલ તથા કેબલના વાયરો વ્યવસ્થિત કરવા, રસ્તા પરના ખાડા પુરવા, નડતા ઝાડની ડાળીઓ કાપવી, ઢોરનો ત્રાસ દુર થાય તે મુજબ કામગીરી કરવી, ઈમરજન્સી મેડીકલ ટીમ ફાળવવી, લેડીઝ પોલીસ સ્ટાફને ફરજ સોંપવી સહિતના મુદ્દે ચોક્કસ નિર્ણયો લેવાયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે સંબંધિત કચેરીઓના અધિકારીઓને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી. તા. ૩૦ના રોજ સાંજે તાજીયાનો કાર્યક્રમ શરૂ થશે અને તા. ૦૧/૧૦ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે કાર્યક્રમ પૂર્ણ થશે. આ તાજીયા ઘોઘા ખાતે ઠંડા કરવા લઈ જવાશે તેમ સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ હુસેનમીયા બાપુએ જણાવ્યુ હતુ. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. પી. ચૌધરી, પ્રાંત અધિકારી બી. એન. ખેર, સીટી ડી. વાય. એસ. પી. મનિષ ઠાકર, ગ્રામ્ય મામલતદાર સંપટ, કસ્બા પ્રમુખ મહેબુબભાઈ શેખ, ઈકબાલ આરબ, શબીર ખલાણી, કાળુભાઈ બેલીમ, સીરાજ નાથાણી, રઝાક શેખ સહિત મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા.