દુબઈ,તા.૨૫
આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની ૩૫મી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સનો બેંગ્લોર સામે શાનદાર વિજય થયો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલ બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા હતા. જેની સામે ચેન્નઈની ટીમે ૧૮.૧ ઓવરમાં ૧૫૭ રન બનાવીને શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલ પર પહેલા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નઈના ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ (૩૮ રન) અને ફાફ ડુ પ્લેસિસ (૩૧) દ્વારા શાનદાર શરૂઆત કરવામાં આવતાં ૫૦ રનોની પાર્ટનરશિપ કરવામાં આવી હતી. જે બાદ મોઈન અલીએ ૨૩ રન બનાવ્યા હતા. તો અમ્બાતિ રાયડુએ ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ સુરેશ રૈના (૧૭) અને ધોની (૧૧ રન)ની જોડીએ મેચમાં વિજય અપાવી હતી. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. અને ચહલ તેમજ મેક્સવેલે ૧-૧ વિકેટ ઝડપી હતી. ચેન્નઈએ ૧૮.૧ ઓવરમાં જ ૧૫૭ રનોનો લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો. અને પોઈન્ટ ટેબલ પર ટોચના સ્થાને આવી ગઈ છે. જે બાદ દિલ્હી બીજા સ્થાને છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી બેંગ્લોરની ટીમની ઓપનિંગ જોડી દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે સેન્ચુરી પાર્ટનરશિપ થઈ હતી. પડિક્કલે ૭૦ રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ ૫૩ રન બનાવ્યા હતા. પણ આ બંને ક્રિકેટર આઉટ થયા બાદ અન્ય ક્રિકેટરો રન બનાવવામાં નિષ્ફળ નિવડ્યા છે. એબી ડી વિલિયર્સે ૧૨ રન, તો મેક્સવેલે ૧૧ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટીમ ડેવિડે ૧ રન, હર્ષલ પટેલે ૩ રન, અને હસારંગાએ ૧ રન બનાવ્યો હતો. ચેન્નઈ તરફથી ડ્વેયન બ્રાવોએ ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે ઠાકુરે ૨ વિકેટ તો ચહરે ૧ વિકેટ ઝડપી હતી.