વીજળીના તેજ લીસોટા વચ્ચે ગાજવીજથી માહોલમાં જોરદાર જમાવટ જોવા મળી
ભાવનગર શહેરમાં બે દિવસ ના અલ્પ વિરામ બાદ શહેરમાં ઢળતી સાંજે શહેરમાં રૌદ્ર રૂપ ધારણ કરી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી જોકે વ્યાપક વરસાદ ને બદલે ખંડવૃષ્ટિ જ રહેતા લોકો મહદઅંશે નિરાશ થયા હતા. ભાવનગર શહેર-જિલ્લા માં શુક્ર,શનિ અને રવિવારે ભાદરવા માસની અનુભૂતિ કરાવ્યા બાદ રવિવારે દિવસ ઢળ્યે મેઘરાજાએ પોતાનું ઓરીજનલ સ્વરૂપ પુનઃ દર્શાવ્યું હતું
ઢળતી સાંજે ધીમી ધારે શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી હતી દરમ્યાન વિજળીના તેજ ચમકારા તથા ગગનભેદી કડાકાઓ થી વાતાવરણ બિહામણું બન્યું હતું શહેરના શિવજી સર્કલ,ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો દિવસભર ભારે ઉકળાટ અને ૩૪ ડીગ્રી તાપમાન થી લોકો અકળાઈ ઉઠ્યાં પરંતુ સૂર્યાસ્ત થતાંની સાથે માહોલમાં અણધાર્યો બદલાવ આવ્યો લગભગ એકાદ કલાક માં શહેરના વત્તા ઓછા પ્રમાણમાં વૃષ્ટિ સાથે સમગ્ર શહેરનો વિસ્તાર મેઘરાજાએ આવરી લીધો હતો રવિવારે સાંજે વરસાદ તૂટી પડતા દિવસભરની વરાપ જાણી હરવા-ફરવા નિકળેલા લોકો મેઘરાજાના સકંજામાં આબાદ સપડાયા હતાં આજના કડાકા ભડાકા નીહાળી લોકો અવાક બન્યાં હતાં અને જે વરસાદ પડયો હતો તે લોકો માટે એક યાદગાર સંભારણું આ ચોમાસાનું ચોક્કસ થી બની રહેશે.