રાજુલાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ચાલતા માઈન્સમાં વે બ્રીજના સોફ્ટવેરમાં ઓપરેટર દ્વારા ગોલમાન કરી છ મહિનાથી કંપનીને મોટુ નુકશાન કરાવાયું હોવાની કર્મચારી દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદના આધારે એસ.પી. નિર્લિપ્તરાયની સુચનાથી પીઆઈ ચનુરાના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ પોલીસે સપાટો બોલાવ્યો હતો અને અલ્ટ્રાટેક માઈન્સમાં ચાલતા ૩૦ ટ્રકો ઝડપી પાડ્યા હતા અને રૂા.૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ચાલતા માઈન્સમાં વે-બ્રિજ ઉપર મુકાયેલો સોફ્ટવેરમાં ઓપરેટર સદ્દામ દ્વારા ગોલમાલ કરીને છ મહિનાથી કંપનીને મોટુ નુકશાન કરાવાતું હોવાની કર્મચારીએ ફરિયાદ નોંધાવતા એસ.પી.ની સુચનાથી પીઆઈ ચનુરા સહિત સ્ટાફ દ્વારા કૌભાંડ અંગે કડક તપાસ કરતા કંપનીના વર્ક ઓર્ડર કોઈકના નામે અને ગાડીઓ ચાલે કોઈકના નામે તેવી ગાડીઓ વે-બ્રીજ પર ધ્યાનમાં આવતા ૧૯ ટોરસ ટ્રક તેમજ ૧૧ ટ્રક મળી કુલ ૩૦ ટ્રકો ઝડપી લેવાઈ હતી. જેમાં ૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. માઈન્સમાં ચાલતી ગાડીઓમાં જાફરાબાદની હદમાં આવેલ વે-બ્રીજમાં થતા કૌભાંડ બહાર આવતા ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
તમામ ગાડીઓનો ડ્રાઈવરોના નિવેદનો લઈને વાહન માલિકો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરાયા છે. આ ઓપરેશનમાં રાજુલા-જાફરાબાદ, પીપાવાવ મરીન અને ખાંભા સહિતનો મસમોટો પોલીસ કાફલો જોડાયો હતો.
કોની કેટલી ટ્રકો ઝડપાઈ ?
કૌભાંડમાં પોલીસ દ્વારા ઝડપી લેવાયેલી ૩૦ ગાડીઓમાં દુલાભાઈ સાર્દુલભાઈ લાખણોત્રા રહે.કોવાયાની બે ગાડી, અરજણભાઈ બાઘાભાઈ લાખણોત્રા કોવાયાની ૩ ગાડી, નનાભાઈ ભીખાભાઈ લાખણોત્રા કોવાયાની બે ગાડી, સોમાભાઈ નથુભાઈ લાખણોત્રા કોવાયાની ચાર ગાડીઓ, અરજણભાઈ સાદુળભાઈ લાખણોત્રા ૩ ગાડી, જબરાભાઈ ટપુભાઈ વાઘ ૧ ગાડી, ટપુભાઈ વાલેરાભાઈ વાઘ ૧ ગાડી, લાલાભાઈ રામભાઈ લાખણોત્રા ૧ ગાડી તથા ભગાભાઈ લખમણભાઈ વાઘની પાંચ ગાડી ઝડપી લઈને તપાસ હાથ ધરેલ છે.